જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં પંચેશ્વર મહાદેવના મંદિર પાસે રહેતી યુવતી મહિલા કોલેજમાં પરીક્ષા આપવા ગઈ તે દરમિયાન એકટીવાની ડેકીમાંથી મોબાઇલ તથા એટીએમ કાર્ડ ચોરી કરી અજાણ્યા શખ્સો રૂા.23 હજાર ખાતામાંથી ઉપાડી લીધા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા પંચેશ્વર મહાદેવ મંદિર પાસેના ત્રણ માળિયા રૂમ નં.216 માં રહેતી ગીતોબન વિરાભાઈ બંધિયા (ઉ.વ.24) નામની યુવતી ગત તા. 14 મેના રોજ બપોરના 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી એ.કે. દોશી મહિલા કોલેજમાં પરીક્ષા આપવા ગઈ હતી તે દરમિયાન તેનું જીજે-10-ઈએ-4008 નંબરનું એકટીવા કોલેજના ગેઈટની સામે પાર્ક કર્યુ હતું. તે દરમિયાન એકટીવાની ડેકી ખોલી અજાણ્યા શખ્સોએ મોબાઇલ ફોન અને એકસીસ બેંકના ખાતા નંબર 921010016680099 નંબરના ખાતામાંથી એટીએમ દ્વારા 23000 ની રકમ ઉપાડીને ચોરી કરી લીધી હતી. ત્યારબાદ આ ચોરી અંગે જાણ કરતા હેકો ડી.એમ. પરમાર તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.