ખંભાળિયા નજીકના સલાયા વિસ્તારમાં ગુરુવારે સવારે રેતી ભરેલા એક ટ્રકમાં જીવંત વીજ વાયરના કારણે આગજની સર્જાઈ હતી.
આ સમગ્ર પ્રકરણની સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીક એક ટ્રકના ચાલકે પોતાના ટ્રક (ટોરસ)માં રહેલી રેતીને ખાલી કરવા માટે ટ્રક (ટોરસ)નું ઠાઠું ઊંચું કર્યું હતું. ત્યારે આ ટ્રકની ઉપરથી પસાર થઈ રહેલા જીવંત વીજ વાયરને આ ટ્રકનો ઉપરનો ભાગ અટકી ગયો હતો. જેના કારણે આ ટ્રકમાં જોરદાર આગ ભભૂકી ઊઠી હતી.
આ બનાવ અંગેની જાણ સાબીરભાઈ સોઢા દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના નરેશભાઈ ધ્રાંગુ, યોગેશભાઈ પાથર તેમજ ત્રણ ટ્રેઈની કર્મચારીઓ ફાયર ફાઈટર સાથે તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
આ આગમાં ટ્રકને વ્યાપક નુકસાની થવા પામી હતી. પરંતુ મોટી જાનહાની થતા અટકી હતી.