જામનગર – રાજકોટ ધોરીમાર્ગ પરથી પૂરઝડપે પસાર થઈ રહેલા પીકઅપ વાહને રીક્ષાને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં વૃધ્ધનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ જશવંત સોસાયટીમાં રહેતાં ગુલાબસિંહ ભગવાનજી જાડેજા (ઉ.વ.62) નામના વૃધ્ધ શનિવારે સવારના સમયે રીક્ષામાં રાજકોટ ધોરીમાર્ગ પરથી સવારના સમયે પસાર થતા હતાં તે દરમિયાન પૂરપાટ આવી રહેલા જીજે-10-ટીવાય-0924 નંબરના પીકઅપ વાહને રીક્ષાને ઠોકરે ચડાવી હડફેટે લેતા અકસ્માતમાં રીક્ષામાં સવાર ગુલાબસિંહને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ પ્રવિણસિંહ દ્વારા જાણ કરાતા પ્રો. આઈપીએસ અજયકુમાર મીણા તથા સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી પીકઅપ વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.