વિશ્વ આખામાં અહિંસાનો સંદેશ આપનાર પ્રભુ શ્રી મહાવીર ભગવાનનો 2622મો જન્મ કલ્યાણક આવતીકાલે રવિવારે ચૈત્ર સુદ-13 તા. 21ને રવિવારે ઉજવવામાં આવશે. ત્યારે જામનગર શહેરમાં જૈનોના તમામ ફિરકાઓ સાથે મળીને ભગવાનની રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરાવશે. જેમાં જૈન સાધુ-સાધ્વીઓ, ભાઇઓ, બહેનો, બાળકો, બાલિકાઓ મોટી સંખ્યામાં જોડાશે.
ના જ નહીં પરંતુ સમસ્ત માનવ જાતને અહિંસાનો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીરસ્વામીનો આવતીકાલે 2622મું જન્મકલ્યાણક છે. આ વર્ષે જૈનોના વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ (પાઠશાળા સંઘ), જામનગર વિશા ઓશવાળ જ્ઞાતિ, શાંતિભુવન જૈન સંઘ, દેવબાગ જૈન સંઘ, અચ્છલગચ્છ જૈન સંઘ, ખરતરગચ્છ જૈન સંઘ, પોપટ ધારશી જૈન સંઘ, ઓશવાળ કોલોની જૈન સંઘ, દિગ્વિજ્ય પ્લોટ જૈન સંઘ, મોહનનગર જૈન સંઘ, જૈન દર્શક ઉપાસક સંઘ (પેલેસ), કામદાર કોલોની જૈન સંઘ, પટેલ કોલોની જૈન સંઘ, લાલાવાડી જૈન સંઘ, ચંપાવિહાર જૈન સંઘ સાથે મળીને શહેરના ચાંદીબજાર શેઠજી દેરાસરથી સવારે 6:30 વાગ્યે વરઘોડો (રથયાત્રા)માં તમામ જૈન સંઘમાં પધારેલા સાધુ ભગવંતો, સાધ્વીજીઓ, સંઘના ભાઇઓ-બહેનો, બાળકો, બાલિકાઓ મોટી સંખ્યામાં જોડાશે. વરઘોડો ચાંદીબજાર શેઠજી દેરાસરથી પારસધામ, બેડી ગેઇટ, ટાઉનહોલ, લાલબંગલો, પોપટ ધારશી દેરાસર, જી.જી. હોસ્પિટલ, ડીકેવી સર્કલ થઇ પેલેસ દેરાસર મહાવીરસ્વામી જિનાલયએ પૂર્ણ થશે. જ્યાં રથયાત્રામાં જોડાયેલા તમામને નવકારશીનો લાભ આપવામાં આવશે.
આ રથયાત્રામાં પ્રભુના બે ચાંદીના રથને ખેંચતા યુવાનો, પ્રભુને બે ચાંદીના રથને પ્રદક્ષિણા આપીને નૃત્ય કરતાં સેંકડો યુવાનો, અદ્ભૂત બેન્ડ, 13 ફૂટના માનવો, નવપદના અલગ વર્ણધારી બાઇક સવારો, વિવિધ પાઠશાળાના દિકરા-દિકરીઓની વેશભૂષા, રોડ પર ચાલતું એરોપ્લેન, લાઇવ રંગોળી, થાળી ભ્રમણ, ચામર નૃત્ય કરતાં ટીનએજર્સ, શાસન ધ્વજને લહેરાવતા યુવાનો, રંગેરંગી બાંધણીમાં બેડાવાળી બહેનો, શાસન પ્રભાવના કરતી અનુકંપાની વાન તથા ઇન્દ્રધજા/સૂર્યચંદ્ર વગેરે આકર્ષણ જમાવશે. આ રથયાત્રામાં જોડાવાનો એક અમૂલ્ય અવસર છે. તેમ તમામ જૈન સંઘના ફિકરાની યાદીમાં જણાવાયું છે.
આ અંગે જગતશેખર મહારાજની આગેવાનીમાં દેવબાગ ઉપાશ્રય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં જૈન સંત પ.પૂ. પંન્યાસ પ્રવર જગત શેખર વિજયજી મ.સા. એ આશિર્વચન પાઠવ્યા હતાં અને આવતીકાલે જન્મકલ્યાણ દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર રથયાત્રા સહિતના કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદમાં વિશાશ્રીમાળીના પ્રમુખ ભરતભાઈ વસા, પેલેસ જૈન સંઘના મહેશભાઈ મહેતા, સમસ્ત જૈન સમાજના વિજયભાઇ શેઠ, દેવબાગ જૈન સંઘના નિલેશભાઈ શાહ, જૈન અગ્રણી ભરતભાઈ પટેલ, સમસ્ત જૈન સંગઠનના પ્રમુખ નિલેશભાઈ કગથરા, હાલારી વિશાશ્રીમાળી સ્થાનકવાસી ગામડાવાળાના પ્રમુખ રાજુભાઈ શાહ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.