જામજોધપુર તાલુકાના તરસાઈ ગામ નજીકથી પોલીસે છોટાહાથી ગાડીમાંથી રૂા.4.65 લાખની કિંમતની 4656 નંગ દારૂના ચપટા સહિત કુલ રૂા.9.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બુટલેગરો ગાડી મુકી નાશી જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના તરસાઈ ચેકપોસ્ટ પાસે જામજોધપુર પોલીસ લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ ચેકિંગમાં હતાં. આ દરમિયાન ધોરીયાનેશ ખાતે રહેતો નાથા લાલા મોરી એ અંગે્રજી દારૂનો જથ્થો વેંચાણ અર્થે મંગાવ્યો હોવાની પોકો કૌશીકભાઈ કાંબલિયા તથા દિલીપસિંહ જાડેજાને બાતમી મળી હતી. હનુમાન ગઢ તરફથી એક છોટાહાથી અંગે્રજી દારૂનો જથ્થો ભરીને નિકળતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે તરસાઈ ચેક પોસ્ટ નાકા બંધી કરતા જીજે-11-વીવી-4245 નંબરનું છોટાહાથી વાહન પસાર થતા તેને રોકવાનો પ્રયાસ કરતા તેનો ડ્રાઈવર વાહન પૂરઝડપે લઇને નાશી ગયો હતો. આથી પોલીસ દ્વારા આ ગાડીનો પીછો કર્યો હતો અને તરસાઈ ગામના પાદરથી આગળ વાંસજાળિયા ગામ તરફ વાહનનો ડ્રાઈવર વાહન મૂકી નાશી ગયો હતો.
પોલીસ દ્વારા વાહન ચેક કરતા તેમાંથી રૂા.4,65,600 ની કિંમતના 4656 નંગ દારૂના ચપટા મળી આવ્યા હતા. પોલીસે દારૂના જથ્થા તથા રૂા. 5,00,000 ની કિંમતનું છોટાહાથી વાહન સહિત કુલ રૂા.9,65,600 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને દારૂનો જથ્થો મંગાવનાર નાથા લાલા મોરી તથા છોટાહાથી વાહનના ડ્રાઈવર સહિત બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.