દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા એક માછીમાર શખ્સ સામે અગાઉ નોંધાયેલા ગુના સંદર્ભે જિલ્લા એલ.સી.બી. પોલીસે ચૂંટણીને અનુલક્ષીને કડક કામગીરી કરી, આ શખ્સ સામે પાસાનું શાસ્ત્ર ઉગામ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા મામદ ઈસા લુચાણી નામના શખ્સ સામે અગાઉ સ્થાનિક પોલીસ મથકમાં વિવિધ બાબતે ગુના નોંધાયા હતા. હાલ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી સ્થાનિક ગુના શોધક શાખાને આપવામાં આવેલી સૂચના અંતર્ગત પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ દેવમુરારી દ્વારા ગુનાહિત ઇતિહાસ અંગેની માહિતી એકત્ર કરી અને ઉપરોક્ત શખ્સ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી.
આ દરખાસ્ત અહીંના જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા સમક્ષ મુકવામાં આવતા તેમના દ્વારા મતદાનની પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં જળવાઈ રહે તે હેતુથી તકેદારીના ભાગરૂપે ત્વરિત નિર્ણય લઇ અને ઉપરોક્ત શખ્સના પાસા મંજુર કર્યા હતા.
ત્યાર બાદ આરોપી મામદ ઈસાભાઈ લુચાણીને પી.એસ.આઈ. આર.એસ. સુવા તેમજ બી.એમ. દેવમુરારી દ્વારા રાઉન્ડ અપ કરી, વોરંટની બજવણી કરીને સુરતની લાજપોર જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારસિયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, વિપુલભાઈ ડાંગર, બલભદ્રસિંહ ગોહિલ, ગોવિંદભાઈ કરમુર, પ્રદિપસિંહ જાડેજા, સચિનભાઈ નકુમ, તેમજ દ્વારકા પોલીસ મથકના પી.આઈ. તુષાર પટેલ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.