જામનગર શહેરમાં એક જ દિવસમાં 4.5 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઘટી જતા શહેરીજનોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. જો કે, બપોરના સમયે આકરા તાપથી લોકો પરસેવે રેબઝેબ થયા હતાં. ગઈકાલે સીઝનનો સૌથી વધુ ગરમ દિવસ રહ્યા બાદ આજે તાપમાન 35.6 ડિગ્રીએ પહોંચ્યું હતું.
જામનગર શહેરમાં ગઈકાલે સીઝનનું સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ 4.5 ડિગ્રી જેટલા ઘટાડા બાદ મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી એ પહોંચતા શહેરીજનોને ગરમીમાંથી થોડીઘણી રાહત મળી હતી. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી, લઘુતમ તાપમાન 26.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 82 ટકા તથા પવનની ગતિ 9.8 કિ.મી./કલાકની નોંધાઇ હતી. મહત્તમ તાપમાન ગઈકાલ કરતા ઘટયું છે આમ છતાં બપોરના સમયે લોકો ગરમીથી અકળાઈ ઉઠયા હતાં અને ગરમીથી રાહત મેળવવા આઈસ્ક્રીમ, શેરડીનો રસ, ઠંડા પીણા, છાશ, લસ્સી સહિતની ચીજવસ્તુઓનો ઉપયોગ વધ્યો છે.