જામનગરના બેડી વિસ્તારમાં રમઝાન માસના પ્રારંભે જ ધારાશાસ્ત્રી હારુન પાલેજાને 15 જેટલા શખ્સોએ આંતરીને સશસ્ત્ર હથિયારોના આડેધડ ઘા ઝીંકી સરાહજાહેર હત્યા નિપજાવ્યાની ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 11 હત્યારાઓને દબોચી લીધા હતાં. અને શનિવારે વધુ ત્રણ હત્યારાઓની ધરપકડ કરી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતાં.
હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા એડવોકેટ અને કોંગે્રસ અગ્રણી હારુન પલેજા રમજાન માસના પ્રારંભમાં જ રોજું છોડવા જઈ રહ્યા હતાં ત્યારે બેડીમાં પંદર જેટલા શખ્સોએ પથ્થરમારો કરી પછાડી દઇ ઘાતક હથિયારોના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં ઢડી પડયા હતાં. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. ધારાશાસ્ત્રીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. સરાજાહેર કરાયેલી હત્યામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી જયવિરસિંહ ઝાલાના નેજા હેઠળ પીઆઈ નિકુલસિંહ ચાવડા અને સાત પોલીસ કર્મચારીઓ સહિતાનાઓની એક ટીમ બનાવી સીટની (સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશ ટીમ)ની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે સરાજાહેર કરાયેલી હત્યાના આરોપીઓને દબોચી લેવા તપાસ દરમિયાન એક પછી એક 11 જેટલા હત્યારાઓને દબોચી લઇ રિમાન્ડ મેળવી જેલ હવાલે કર્યા હતાં.
દરમિયાન ઉમર ઓસમાણ ચમડિયા, રજાક ઉર્ફે સોપારી, શબીર ઓસમાણ ચમડિયા નામના ત્રણ શખ્સોને સીટની ટીમે દબોચી લઇ અદાલતમાં રજૂ કરતા ત્રણ દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કર્યા હતાં. જેના આધારે પોલીસે પૂછપરછ આરંભી નાસતા ફરતા એક આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.