ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ મહિલા સફાઈ કામદાર દ્વારા નગરપાલિકાની મિલકતને નુકસાની પહોંચાડવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણ અંગે, ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા અને ખંભાળિયા નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભરતકુમાર પ્રવીણચંદ્ર વ્યાસ (ઉ.વ. 50) એ અહીંના મંજુબેન કારાભાઈ પિંગળ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયા મુજબ મંજુબેનએ બુધવારે રાત્રિના સમયે ખંભાળિયા નગરપાલિકા કચેરી પાસે પથ્થરો તેમજ લાદીના ટુકડાના ઢગલા કરી તેમજ નગર ગેઈટ વિસ્તારમાં આવેલી ભૂગર્ભ ગટરના ઢાંકણા તોડી પાડી અને જાહેર મિલકતમાં નુકસાની પહોંચાડી હતી.
નગરપાલિકાના પૂર્વ સફાઈ કામદાર મંજુબેન કારા પિંગળ સામે ખંભાળિયા પોલીસે પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આ અંગે પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.