જામનગર શહેર અને જિલ્લામાં જૂગારના ત્રણ દરોડામાં જામજોધપુરના બાવડીદડમાંથી પોલીસે સાત શખ્સોને રોકડ-મોબાઇલ અને કાર સહિત કુલ રૂા.12,60,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે શહેરના ખંભાળિયા નાકા બહારથી અને બર્ધન ચોક વિસ્તારમાંથી પોલીસે બે વર્લીબાજને જાહેરમાં જૂગાર રમતા ઝડપી લઇ તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
જામજોધપુર તાલુકાના બાવડીદળ ગામની સીમમાં આવેલા ખેતરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની હેકો અરજણ કોડીયાતર, વનરાજ મકવાણા, ધાના મોરીને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન સંજય કિશોર સિતાપરા, જયેશ ભાયા બેલા, નથુ નારણ કાંબરીયા, ભાવેશ જેન્તી જોષી, મુર્તૂજા કાસમ ખીરા, વિમલ વલ્લભ પાડલિયા, અરસી સામત નંદાણિયા નામના સાત શખ્સોને રૂા.2,20,000ની રોકડ, રૂા.40 હજારની કિંમતના સાત મોબાઇલ, રૂા.10 લાખની કિંમતની બે કાર મળી કુલ રૂા.12,60,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, દરમિયાન એક મહિલાને પણ જૂગાર રમતા પકડી પાડી પોલીસે તેને નોટિસ આપી આગળની કાર્યવાહી કરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના ખંભાળિયા નાકા પાસે લેટેસ્ટ પાન પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન અલ્તાફ કાસમ કાસ નામના શખ્સને રૂા.580 ની રોકડ તથા રૂા.5000 ની કિંમતનો મોબાઇલ અને વર્લીના સાહિત્ય સાથે કુલ રૂા.5580 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં આવેલ ત્રિકમ બેચર દુકાનની પાસે જાહેરમાં વર્લીના આંકડા પર જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન મધુસુદન બાબુલાલ મગદાણી નામના શખ્સને રૂા.350 ની રોકડ તથા વર્લીના સાહિત્ય સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.