જામનગર શહેરના ખોડિયાર કોલોનીમાં રહેતાં વેપારી યુવાને પંદર લાખની રકમ ધંધા માટે ઉછીના આપ્યા હતાં પરંતુ આ રકમ ચૂકવવી ન પડે તે હેતુથી શખ્સ પ્લાસ્ટિકનો વાડો બંધ કરી ગામ મૂકી પલાયન થઈ ગયો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોનીમાં રાજનગરમાં રહેતા વેપારી રવિભાઈ જયેશભાઈ ફલિયા નામના યુવાન પાસે જામનગરના મોદીવાડ નુરબારમાં રહેતાં અબ્બાસ સબીર ચીકાણીએ એક્રેલિકના વ્યવસાય માટે રૂા.15 લાખ હાથ ઉછીના માંગ્યા હતાં. જેથી રવિભાઈએ રૂા.15 લાખનો ચેક આપ્યો હતો. 2022 થી હાથ ઉછીના આપેલા રૂા.15 લાખ પરત આપવામાં આનાકાની કરી રહેલા અબ્બાસે આખરે રવિને પૈસા આપવા ન પડે તે માટે પ્લાસ્ટિકનો વાડો બંધ કરી દીધો હતો અને મોબાઇલ ફોન બંધ કરી ગામ મૂકીને નાશી ગયો હતો જેથી છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કર્યાના બનાવ અંગે રવિભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે અબ્બાસ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.