જામનગર – રાજકોટ ધોરીમાર્ગ પર ઈસ્કોન મંદિરથી નિકળીને રસ્તો ક્રોસ કરવા જતા વૃધ્ધાને પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલા અજાણ્યા વાહને ઠોકરે ચડાવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ઈસ્કોન મંદિરની બાજુમાં ઓવાલ સુરભી કુંજ શિવ રેસીડેન્સીમાં રહેતાં ટિફિટ સર્વિસનો વ્યવસાય કરતા સતિષભાઈ પવાર નામના યુવાનના માતા સુમનબેન નામના વૃધ્ધા રવિવારે રાત્રિના સમયે ઈસ્કોન મંદિરથી નિકળીને રણજીતનગર જવા માટે ઈસ્કોન મંદિર સામેનો રસ્તો ક્રોસ કરવા જતા હતાં તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલા અજાણ્યા વાહને વૃધ્ધાને ઠોકર મારી હડફેટે લઈ પછાડી દઇ માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ વાહનચાલક પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ ગંભીર ઈજાગ્રસ્ત વૃધ્ધાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્રના નિવેદનના આધારે હેકો એ.કે. પટેલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.