જામનગર શહેર અને જિલ્લામાં સરાજાહેર પ્રજાની વચ્ચે થતા હુમલાઓના કારણે હાલારવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. થોડા સમય પહેલાં બેડી વિસ્તારમાં એડવોકેટ હારુન પલેજાને આંતરીને 15 જેટલા શખ્સો દ્વારા સશસ્ત્ર હુમલો કરી હત્યા નિપજાવી હતી. એડવોકેટ પર થયેલી હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડયા હતાં. દરમિયાન જામનગરના લોઠીયા ગામ નજીક વધુ એક એડવોકેટ ઉપર જમીન કેસ સંદર્ભેે હુમલો કરાયાની ઘટનાએ અનેક સવાલો ઉભા કરી દીધા છે.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેર-જિલ્લામાં સરાજાહેર હુમલાઓ, હત્યાની ઘટનાઓએ જામનગરવાસીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. સરાજાહેર થતા હુમલાને કારણે પોલીસની કામગીરી પર અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. જો કે, પોલીસની કામગીરી ઘણી સરાહનીય છે પરંતુ જાહેરમાં થતા હુમલાઓ શહેરીજનોને સલામતિ વિશે વિચારતા કરી દે છે. થોડા સમય પહેલાં જ સરાજાહેર એડવોકેટ ઉપર 15 જેટલા શખ્સોએ સશસ્ત્ર હુમલો કરી ઘાતકી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ પીએન માર્ગ પર જાહેરમાં યુવાન હુમલો કર્યાની ઘટના બાદ ગઈકાલે લોઠીયા ગામ નજીકથી પસાર થતા એડવોકેટ અનિલ પરસાણા નામના યુવાન ઉપર જમીન સંબંધિત કેસનું મનદુ:ખ રાખી હુમલો કરાયો હતો. આ હુમલામાં ઘવાયેલા એડવોકેટને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પોલીસે એડવોકેટના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.