જામનગરમાં વામ્બે આવાસમાં પોતાના સાસરે હોળી કરવા આવેલા વાંકાનેરના યુવાનને સાસરીયાઓએ બેટ મારીને ઈજા પહોંચાડયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ, વાંકાનેર નજીક ખાનપર ગામમાં રહતા પ્રવિણ રમેશ સરવૈયા નામનો યુવાન ગત તા.23 ના રોજ જામનગરના વામ્બે આવાસના આઠ માળિયા આવાસમાં રહેતા તેના સસરા ધીરુભાઈ ધરજીયાને ઘરે આવ્યો હતો. આ દરમિયાન તેના સાસુ ભાનુબેન, સસરા ધીરુભાઈ તથા સાળા અનિરૂધ્ધભાઇ એ પૈસા વાપરવાની બાબતે બોલાચાલી કરી હતી અને તેમની પુત્રી જામનગર આંટો દેવા આવે ત્યારે તેમના હાથમાં પાંચ હજાર રૂપિયા વાપરવા માટે આપવા તેમ કહ્યું હતું. પરંતુ જમાઇ પ્રવિણભાઈ પાસે તેટલી સગવડ ન હોય તેની પાસે હોય તેટલા રૂપિયા આપું. તેમ કહેતાં આરોપીઓ ઉશ્કેરાઇ જઈ અપશબ્દો બોલી કાઠલો પકડી ઝાપટો મારી હતી. તેમજ ક્રિકેટ રમવાના બેટ માથામાં ફટકારી ઈજા પહોંચાડી હતી.
આ અંગે ફરિયાદી પ્રવિણભાઈ દદ્વારા સીટી સી ડીવીઝન ખાતે સાસુ-સસરા અને સાળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પીએસઆઈ એન.પી. જોશી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.