પાટીદાર સમાજની દિકરીઓ અંગે કાજલ હિન્દુસ્તાની દ્વારા કરાયેલી વિવાદિત નિવેદનને લઇ પાટીદાર સમાજમાં રોષની લાગણી છવાઈ છે. જામનગરના પાટીદાર સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર દ્વારા જામનગર જિલ્લા પોલીસવડાને આ અંગે ધોરણસરની કાર્યવાહી કરવાની માંગી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જામનગરના સામાજિક કાર્યકર પાર્થ પટેલ દ્વારા જિલ્લા પોલીસવડાને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગત તા.8/6/23 ના રોજ સુરત જિલ્લાના ગાધકડા મિત્ર મંડળ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. જેમાં કાજલ હિન્દુસ્તાની એ કહેલ ભાષણનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પટેલ સમાજની દિકરીઓ અંગે અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ અપમાનજનક ભાષણને કારણે પટેલસમાજમાં રોષની લાગણી છવાઇ છે. કાજલ હિન્દુસ્તાની દ્વારા પોતાની વાહવાહી મેળવવા પોતાની ટીઆરપી તેમજ પબ્લીસિટી મેળવવા આવી મનઘડત વાતો દ્વારા ઉશ્કેરણીજનક ભાષણ કરતા હોય તેમની વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.