ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં તાજેતરમાં સરકાર દ્વારા અલગ પોલીસ સ્ટેશન શરૂ કરી અને પોલીસ સ્ટાફ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બેટ દ્વારકા પોલીસ મથકના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં ચેકિંગ દરમિયાન ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા કરીમ એલીયાસ સંઘાર નામના 48 વર્ષના મુસ્લિમ વાઘેર માછીમાર દ્વારા તેની જી.જે. 37 એમ.એમ. 20997 નંબરની મહાલક્ષ્મી નામની ફિશીંગ બોટને માછીમારી કરવા માટે બેટ બાલાપરથી નીકળીને અહીં જ પરત આવવાનું હતું. તેને બદલે આરોપી દ્વારા નિર્ધારિત જગ્યાએ નહીં આવીને હનુમાન દાંડી નજીક આવેલા ડની ટાપુ પોઇન્ટ ખાતે લેન્ડ કરી અને માલ સામાનની તેમજ મચ્છીની અવરજવર કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું હતું.
આમ, ઉપરોક્ત આરોપી દ્વારા સરકારના નિયમ મુજબ નિર્ધારિત કરેલી જગ્યાએથી રવાના થઈ અને પરત આવવાના બદલે પોતાની બોટ ડની પોઇન્ટ ખાતે લેન્ડ કરતા તેની સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદાની કલમ હેઠળ બેટ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ જ રીતે અન્ય એક માછીમાર સુલેમાન કરીમ સંઘાર (ઉ.વ. 42, રહે. બાલાપર) દ્વારા પણ તેની બોટમાં નિયત જગ્યાએ પરત આવવાના બદલે અન્ય સ્થળે (ડની પોઈન્ટ ખાતે) બોટ લઈ જતા તેની સામે પણ બેટ દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.