ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા બિલાલ મહમદ સુંભણીયા નામના પરિણીત શખ્સ દ્વારા આ વિસ્તારની એક યુવતીને પોતાની પત્નીથી તલાક લઈને તેણી સાથે નિકાહ કરવાની લાલચ આપી તેણી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. આ રીતે દુષ્કર્મ આચરીને આરોપી બિલાલ સુંભણીયા દ્વારા યુવતી સાથે નીકાહ કરવામાં આવ્યા ન હતા.
ત્યાર બાદ ગત તારીખ 7 મે 2017 ના રોજ ફરિયાદી યુવતી ઘરમાં સૂતી હતી તે દરમિયાન તેણીના ઘરમાં પ્રવેશ કરી અને કોઈ પ્રકારનું કેફી પીણું પીવડાવી અને તેણી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું જાહેર થયું છે. આનાથી અર્ધ બેભાન અવસ્થામાં તેણીને જામનગરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે સંદર્ભે પોલીસે દુષ્કર્મ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ ખંભાળિયાની સ્પેશિયલ એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ સંદર્ભે અહીંના જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા અદાલત સમક્ષ યુવતીની મેડિકલ તપાસણી, એફ.સેસ.એલ.ના રિપોર્ટ 12 સાહેદોની કરવામાં આવેલી તપાસ તેમજ મેડિકલ ઓફિસર દ્વારા હિસ્ટ્રી સહિતના પુરાવાઓ રજૂ કરતા અંગે કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઈ અને એડિશનલ સેશન્સ જજ શ્રી વી.પી. અગ્રવાલ દ્વારા આરોપી બીલાલ મામદ સંભણીયાને દુષ્કર્મની કલમમાં દસ વર્ષની કેદ તેમજ અન્ય જુદી-જુદી કલમમાં કેદની સજા તથા કુલ રૂપિયા 20,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ પ્રકરણમાં ભોગ બનનાર યુવતીને આર્થિક, સામાજિક તથા માનસિક પુનર્વસન માટે વીટનેસ કેમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂ. એક લાખનું વળતર ચૂકવવા પણ હૂકમ કરવામાં આવ્યો છે.