જામનગર શહેરના બેડી વિસ્તારના નુરાની ચોકમાં જૂની દિવાલ પાડી નવી દિવાલ બનાવવાના મામલે પ્રૌઢા તથા તેના પતિ અને પુત્ર ઉપર ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડીના નુરાની ચોક વિસ્તારમાં રહેતાં ઝરીનાબેન મુનરાઈ નામના પ્રૌઢાના દિયરનું મકાન સબીર જુસબ એ લીધું હતું અને આ મકાનની જુની દિવાલ પાડીને નવી દિવાલ બનાવતા હોવાથી પ્રૌઢાએ નડતરરૂપ નવી દિવાલ બનાવવાની ના પાડતા સબીર જુસબ ચૌહાણ, ઈકબાલ ઈબ્રાહિમ કકલ, સિકંદર જુસબ ચૌહાણ, શરીફા જુસબ ચૌહાણ, નામના ચાર શખ્સોએ એકસંપ કરી ઝરીનાબેન અને તેણીના પતિ અબ્બાસ આમદ તથા પુત્ર ઉપર રવિવારે સાંજના સમયે લોખંડના પાઈપ વડે હુમલો કરી ગાળો કાઢી હતી. અને મારી નાખવાની ધમકી આપી હતી. હુમલો કરી પતાવી દેવાની ધમકીના બનાવ અંગે હેકો જે ડી ઝાલા તથા સ્ટાફે ઈજાગ્રસ્ત પ્રૌઢાના નિવેદનના આધારે મહિલા સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.