દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં આવેલી રેલવેની માલિકીની જમીન પર વર્ષોથી કરાવવામાં આવેલું અનધિકૃત દબાણ દૂર કરવા આજે સવારથી ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.
ખંભાળિયામાં વર્ષો જૂની ખંભાળિયા- સલાયા રેલ્વે લાઈન આશરે ચાર દાયકા બાદ પુન: શરૂ કરવાનું તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને ખંભાળિયા નજીક રેલવે ટ્રેકની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ રેલ્વે લાઈન વિસ્તારમાં સલાયામાં જુના અને બંધ રહેલા રેલવે સ્ટેશન નજીક વર્ષોથી દબાણ કરી દેવામાં આવ્યા હોવાથી આ દબાણ હટાવવા માટેની કામગીરી આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા જેસીબી, હિટાચી જેવા સાધનોની મદદથી શરૂ કરી દેવામાં આવી છે.
ખંભાળિયાના પ્રાંત અધિકારી કેકે. કરમટાના માર્ગદર્શન હેઠળ રેવન્યુ સ્ટાફની ઉપસ્થિતિમાં અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પી.એસ.આઈ. તથા સ્ટાફ દ્વારા બંદોબસ્ત વચ્ચે ઓપરેશન ડિમોલીશન શરૂ કરવામાં આવ્યું છે. આશરે ચાલીસેક વર્ષથી ભંગાર હાલતમાં રહેલા રેલવે સ્ટેશનની કીમતી જગ્યા પર સ્થાનિક લોકોએ કાચા-પાકા મકાનો ખડકી દીધા હતા તથા આ અગાઉ વૈકલ્પિક જગ્યા આપવા માટેની રજૂઆતો પણ કરી હતી.
પરંતુ રેલવે તંત્ર દ્વારા હવે આ જગ્યાએ પુન: સ્ટેશન બનાવવાનું જાહેર કર્યું હોવાથી આ અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરીમાં સલાયા નગરપાલિકા તંત્ર પણ જોડાયું છે. થોડા સમય પૂર્વે અહીં ડિમોલિશન થવાની વાતો વહેતી થઈ હતી. પરંતુ વિવિધ મુદ્દાઓને ધ્યાને લઈને મુલત્વી રહેલું આ આયોજન પુન: શરૂ કરી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં, આગામી દિવસોમાં જે વિસ્તારમાંથી રેલવે ટ્રેક નીકળશે, ત્યાં પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે તેમ પણ વધુમાં જાણવા મળ્યું છે.