જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં મંગુભાઈ ભજીયાવાળાની બાજુમાં મસ્કરી કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે શ્રમિક યુવાન ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગરમાં બેડેશ્ર્વર કાપડ મીલની ચાલીમાં રહેતો અને મજૂરી કામ કરતો હાર્દિક પ્રવિણભાઈ મકવાણા (ઉ.વ.30) નામનો યુવાન ગુરૂવારે બપોરના સમયે મંગુભાઈ ભજીયાવાળાની બાજુમાં આવેલા રાધે ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં મજૂરી કામ કરતો હતો ત્યારે તેની સાથે મજુરી કામ કરતા હારુન સીદીક ચાવડા નામના શખ્સે હાર્દિકી મજાક મસ્કરી કરી હતી. જેથી હાર્દિક મજાક કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા હારુન ચાવડાએ લોખંડના પાઈપ વડે યુવાનના માથા ઉપર એક ઘા ફટકારતા લોહી નિતરતી હાલતમાં હાર્દિક ઢળી પડયો હતો. ત્યારબાદ ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. તે દરમિયાન હાર્દિકના પિતા સમજાવવા જતાં તેની સાથે પણ બોલાચાલી અને ઝઘડો કર્યો હતો.
બાદમાં હાર્દિકને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હેકો જે એચ મકવાણા તથા સ્ટાફે હાર્દિકના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.