ધ્રોલ ગામમાં મેમણચોક વિસ્તારમાં રહેતાં અને કાપડની દુકાન ચલાવતા યુવાનને વાંકાનેરના વેપારી યુવાન સહિતના છ શખ્સોએ તું અમારી પાસેથી કાપડ કેમ ખરીદી કરતો નથી? તેમ કહી લાકડાના ધોકા વડે માર મારી ગાળો કાઢી હતી.
બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં મેમણચોક વિસ્તારમાં રહેતો અને કાપડની દુકાન ચલાવતા અફઝલભાઈ રજાકભાઈ વિરાણી (ઉ.વ.42) નામના યુવાન અગાઉ વાંકાનેરના વેપારી સાહુ ઉર્ફે સુલતાન પાસેથી કાપડની ખરીદી કરતાં હતાં પરંતુ, પાંચ વર્ષથી કાપડની ખરીદી સાહુ પાસેથી બંધ કરી દીધી હતી. જેથી મંગળવારે બપોરના સમયે અફઝલ તેની દુકાન પાસે ઉભો હતો ત્યારે સાહુ ઉર્ફે સુલતાન અને પાંચ અજાણ્યા સહિતના છ શખ્સોએ આવીને અફઝલને કહ્યું કે, તું પાંચ વર્ષ પહેલાં ખરીદી કરતો હતો હવે કાપડની ખરીદી કેમ કરતો નથી. તેમ કહી સાહુએ ગાળો કાઢી હતી. તેમજ અન્ય શખ્સોએ લાકડાના ધોકા વડે વેપારીને લમધાર્યો હતો. છ શખ્સો દ્વારા વેપારી ઉપર ગાળો કાઢી હુમલો કર્યાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હેકો આર.કે. મકવાણા તથા સ્ટાફે અફઝલના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.