કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામમાં રહેતાં ખેડૂત યુવાનના મકાનમાં અજાણ્યા તસ્કરોએ આગડિયા તોડી રૂમમાં પ્રવેશ કરી રૂા.90 હજારની કિંમતના સોનાના જવલા અને નવ હજારની કિંમતની બુટી તથા રોકડ રકમ સહિતની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામમાં રહેતાં અને ખેતી કરતાં ધીરુભાઈ પેથાભાઈ રાતડિયા (ઉ.વ.32) નામના યુવાન ખેડૂતના મકાનમાં ગત તા.02 ના રોજ સવારના સમયે 09 વાગ્યાથી તા.3 ના સવારના 9 સુધીના 24 કલાક દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ઘરની અંદર પ્રવેશ કરી ઓસરીની ઝાળી તથા રૂમના દરવાજાના આગડિયા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રૂમમાંથી રૂા.90 હજારની કિંમતના ત્રણ તોલાના સોનાના જવલા અને યુવાન તથા તેના ભાઇઓની દિકરીઓને ગરબીમાં લ્હાણીમાં આવેલી રૂા.9000 ની સોનાની ત્રણ જોડી બુટી તેમજ રૂા.80 હજારની રોકડ રકમ સહિત કુલ રૂા. 1,79,000 ની માલમતા ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગે ધીરુભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી એ પરમાર તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.