જામનગર તાલુકાના વિભાપર ગામમાં દારુ પીને ઘરમાં ઘુસેલા શખ્સ વિરુધ્ધ અરજી કર્યાનો ખાર રાખી શખ્સના ભાઇ સહિતના પાંચ શખ્સોએ પિતા-પુત્રને આંતરીને લોખંડના પાઇપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના વિભાપર ગામમાં આવેલા આંબેડકર ચોકમાં રહેતા અને મજૂરી કામ કરતાં રોહીત ગાગીયા નામના યુવાનના ઘરમાં બેમાસ પહેલાં અરુણ બાબુ ભાંભી નામનો દારુ પીને આવ્યો હતો તે બાબતની પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખી શુક્રવારે સવારના સમયે રોહિત તથા તેના પિતા રાજેશભાઇ બાઇક પર જતાં હતાં ત્યારે આંબેડકર ચોક પાસે આંતરીને જગદીશ બાબુ ભાંભી, વસંત બાબુ ભાંભી, પ્રકાશ ઉર્ફે ભખો દેવા ભાંભી, જેઠા પમા ભાંભી, વિનુ કમા ભાંભી સહિતના પાંચ શખ્સોએ એકસંપ કરી પિતા-પુત્ર ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. પિતા-પુત્ર ઉપર હુમલો કરાતાં રોહિતના કાકા પ્રવિણભાઇ સ્થળ પર દોડી આવતાં તેના પર પણ પાંચ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. પાંચ શખ્સોના હુમલાથી ઘવાયેલા પિતા-પુત્ર સહિતના ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ રોહિતના નિવેદનના આધારે પાંચ શખ્સો વિરુધ્ધ રાયોટીંગ અને હુમલો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.