જામનગર શહેરના હર્ષદમીલની ચાલી પાસે રહેતં અને ચા ની કેબિન ધરાવતા યુવાને કોરોનાકાળ દરમિયાન પુત્રીના લગ્ન માટે વ્યાજે લીધેલી રકમ ચૂકવી દીધી છતાં પાંચ વ્યાજખોરો દ્વારા યુવાનને તથા તેના પુત્રને પતાવી દેવાની ધમકી આપતા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના મહાવીરનગર શેરી નં.2 માં હર્ષદમીલની ચાલી પાસે રહેતાં અને ચા ની કેબિન ધરાવતા પરશોતમભાઈ વાસુભાઈ ચાન્દ્રા (ઉ.વ.48) નામના યુવાનનો 2021 માં કોરોનાકાળ દરમિયાન ધંધો બરાબર ચાલતો ન હતો. જેથી તેની પુત્રીના લગ્ન કરવા માટે આશરે 7 થી 10% વ્યાજે અશોક મુળજી નંદા, પંકજ લુહાણા, ભરત મુળજી નંદા, વિનોદ ત્રિકમદાસ ખાનીયા નામના ચાર વ્યાજખોરો પાસેથી રકમ વ્યાજે લીધી હતી તે પૈકીની અમુક રકમ ચૂકવી દીધી હોવા છતાં ચારેય વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપતા હતાં અને રૂપિયા નહીં આપ તો તારા પુત્ર અનિશને પતાવી દેશું તેવી ધમકી પણ આપી હતી. દરમિયાન અમિત દોશી નામના શખ્સે લોન પાસ કરાવવા માટે રૂ.52000 આપ્યા હતાં તે પરત આપ્યા ન હતાં. આમ ચાર વ્યાજખોર સહિત પાંચ શખ્સોના ત્રાસથી કંટાળીને પરશોતમભાઈએ હિરજી મિસ્ત્રી રોડ પર નવાનગર બેંક પાસેના મેદાનમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઇ આર.કે.ખલીફા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ પરશોતમભાઈના નિવેદનના આધારે ચાર વ્યાજખોર સહિત પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.