ખંભાળિયા – ભાણવડ રોડ ઉપર ભાણ ખોખરી ગામે રહેતા લખમણભાઈ નંદાણીયા નામના એક આસામીની વાડીમાં રાખવામાં આવેલા મગફળીના ભુકામાં ગુરુવારે બપોરે એકાએક આગ ભભૂકી ઊઠી હતી. આ બનાવની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જિલ્લા ફાયર વિભાગ અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફના સુખદેવસિંહ વાઢેર, યોગેશ પાથર તથા કલ્પેશ ગામી ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી, લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.