લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતા યુવાન સાથે થયેલી મારા-મારીનો ખાર રાખી ચાર શખ્સોએ એકસંપ કરી તલવાર, લોખંડના પાઇપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના કિશાન ચોક સુમરાચાલી વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતા મોસીન સલીમભાઇ ખફી નામના યુવાનને થોડા સમય અગાઉ બોદુ ઇબ્રાહીમ ખફી સહિતનાઓ સાથે મારા-મારી થઇ હતી. મારા-મારીનો ખાર રાખી બુધવારે સાંજના સમયે લાલપુર તાલુકાના મુરીલા ગામ નજીકના રોડ પર મોસીનને આંતરીને બોદુ ઇબ્રાહીમ ખફી, ગફાર ઇબ્રાહીમ ખફી, અલ્તાફ ઇબ્રાહીમ ખફી અને અસગર હુશેન ખફી નામના ચાર શખ્સોએ એકસંપ કરી તલવાર અને લોખંડના પાઇપ વડે આડેધડ હુમલો કરતા લોહી-લુહાણ હાલતમાં મોસીન ઢળી પડ્યો હતો. તેમજ હુમલાખોરોએ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતાં હે.કો. એન.પી.વસરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મોસીનના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ શરૂ કરી હતી.