લોકસભાની ચૂંટણીમાં 400 થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ આગળ ધપી રહ્યુ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ઇન્ડિયા મહાગઠબંધનમાં ભંગાણ પડતાં ભાજપની રાજકીય સ્થિતી વધુ મજબૂત બની છે. જોકે, આ વખતે ગુજરાતમાં 20થી વધુ વર્તમાન સાંસદોના પત્તા કપાશે તે નક્કી છે. ભાજપ નવા ચહેરાઓને ચૂંટણી મેદાને ઉતારે તેવી પુરેપુરી શક્યતા છે. તેમાં વિવાદાસ્પદ જ નહીં, 65થી વધુ વયના સાંસદોને ઘર ભેગા કરવા હાઇકમાન્ડે મન બનાવી લીધુ છે.
ગુજરાતમાં ભાજપે એક નવો રાજકીય પરિવર્તન પ્રયોગ હાથ ધર્યો છે. લોકસભાની ચૂંટણી હજુ જાહેર થઇ નથી. આ ઉપરાંત ભાજપે પણ ઉમેદવારની ઘોષણા કરી નથી તે પહેલાં ગુજરાતમાં 26 બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરી દેવાયા છે. ગુજરાત ભાજપનો મજબૂત ગઢ છે ત્યારે આ વખતે ગુજરાતમાં 26 પૈકી 26 બેઠકો પાંચ લાખના માર્જીનથી જીતવા લક્ષ્ય રાખવામાં આવ્યો છે. અમદાવાદમાં ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન બાદ એક માત્ર અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવા સંકેત મળ્યા છે. અન્ય બેઠકો પર કોને ટિકીટ મળશે તે કળવુ મુશ્કેલ બન્યુ છે. ચર્ચા છેકે, ગુજરાતમાં વર્તમાન ભાજપના 20થી વધુ સાંસદોને પુન: ટિકીટ મળે તેવી શક્યતા નહીવત છે. આ વખતે પણ ભાજપ હાઇકમાન્ડ નો રિપીટ થિયરી અમલમાં મૂકીને વર્તમાન સાંસદોને ઘેરભેગા કરવાનુ મન બનાવ્યુ છે. આ ઉપરાંત આ વખતે તો સિર્ફ મોદી નામ કાફી હે આધારે જ ચૂંટણી લડાશે. આ કારણોસર જ હાઇકમાન્ડ જેને નક્કી કરે તેને વધાવી ભારે લીડ સાથે જીતાડવાનો આદેશ અત્યારથી જ આપી દેવાયો છે. આ જોતાં દાવેદારો પણ ટિકિટનું લોબિંગ કરી શકવાની સ્થિતીમાં નથી.
ગુજરાતમાં દિપસિંહ રાઠોડ, નારણ કાછડિયા, ભરતસિંહ ડાભી, શારદાબેન પટેલ, મનસુખ વસાવા, પરબત પટેલ, કીરીટ સોલંકી સહિતના સાંસદો 65થી વધુ વયના છે. આ જોતાં બધાય સાંસદોની વિદાય લગભગ નક્કી છે. મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી ચૂક્યા છે.


