જામનગર તાલુકાના સરમત ગામના પાટીયા પાસે આવેલા આર્યભગવતી સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાંથી સીક્કા પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.38,400 ની કિંમતના 384 નંગ દારૂના જથ્થા અને રૂા.4000 ની કિંમતના મોબાઇલ સહિત રૂા.42,400 ના મુદ્દામાલ સાથે જામનગરના શખ્સને ઝડપી લીધો હતો. જામનગરના દિગ્વીજય પ્લોટમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં શખ્સના મકાનમાંથી ત્રણ બોટલ દારૂ મળી આવતા શખ્સની શોધખોળ આરંભી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના સરમત ગામના પાટીયા પાસે આવેલી આર્ય ભગવતી સોસાયટીના બ્લોક નં.161 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીક્કા પીએસઆઇ આર.એચ. બાર તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી 180 એમ.એલ. દારૂ ભરેલી બોટલ તથા 384 નંગ દારૂના ચપટા મળી આવતા રૂા.38,400 ની કિંમતનો દારૂ તેમજ રૂા.4000 ની કિંમતનો મોબાઇલ ફોન સાથે સાહીલ ધીરુ સોજીત્રા નામના જામનગરના શખસને દબોચી લઇ રૂા.42,400 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં સાગર બિપીન ચાવડા અને કિશન ઉર્ફે તોતો કોળી નામના બે શખસોની સંડોવણી ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી. બીજો દરોડો, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 58 વિસ્તારમાં આવેલા શ્રીશ્રી રેસીડેન્સીમાં ફલેટ નંબર 301 માં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા ફલેટમાંથી રૂા.1500 ની કિંમતની દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે નાશી ગયેલા યોગેશ ઉર્ફે યોગલો બાડો કિશોર દામા નામના શખસની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.