જામનગર શહેરના મહેશ્વરીનગર વિસ્તારમાં આવેલા એક સાથે ત્રણ મકાનોમાં તસ્કરો ત્રાટકયા હતાં અને દરવાજાના તાળા તોડી રૂા.1.86 લાખની માલમતાની ચોરીના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ઈન્દીરા માર્ગ પર ફોરેસ્ટ ઓફિસ સામે આવેલા મહેશ્વરીનગર ચોક નંબર ત્રણ વિસ્તારમાં સવારે 11:30 થી 1:30 વાગ્યા સુધીના બે કલાકના સમય દરમિયાન માયાભાઈ ભીખાભાઈ ગોહિલ નામના યુવાન તથા પ્રવિણભાઈ પરમારના બંધ રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં. તસ્કરોએ દરવાજાના નકૂચા તોડી મકાનની અંદર પ્રવેશ કરી રૂમમાં રહેલા કબાટની તિજોરી તોડી તેમાંથી માયાભાઈના મકાનમાંથી સોનાના ચાર તોલાના દાગીના તથા પ્રવિણભાઈના મકાનમાંથી બે તોલાના સોનાના દાગીના મળી કુલ 6 તોલાના સોનાના રૂા.1,80,000 ના દાગીના તથા લક્ષ્મીબેનના ખુલ્લા રહેણાંક મકાનમાં પ્રવેશ કરી રૂા.6000 ના બે મોબાઇલ મળી કુલ રૂા.1,86,000 ના કિંમતના દાગીના અને મોબાઇલ ચોરી કરી ગયા હતાં. ધોળે દિવસે થયેલી ત્રણ- ત્રણ મકાનોમાં ચોરીની ઘટનાએ રહેવાસીઓમાં ફફડાટ ફેલાવી દીધો હતો. બનાવની જાણ કરાતા પીએસઆઇ ઝેડ એમ મલેક તથા સ્ટાફે માયાભાઈના નિવેદનના આધારે ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.