જામનગર તાલુકાના ઢીચડા ગામમાં રહેતી યુવતીને પ્રાઈવેટમાં નોકરી કરવી હતી પરંતુ, પરિવારજનો સરકારી નોકરી મળે તો કરજે તેમ કહેતાં મનમાં લાગી આવતા યુવતીએ તેણીના ઘરે બે સપ્તાહ પૂર્વે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બુધવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ઢીચડા ગામમાં રહેતાં ભગવાનજીભાઈ પરશોતમભાઈ કટેશીયા નામના યુવાનની પુત્રી મંજુલાબેન કટેશિયા (ઉ.વ.19) નામની યુવતી ગત તા.5 ના રોજ રાત્રિન સમયે તેમના ઘરે જમતા હતાં તે દરમિયાન યુવતીને પ્રાઇવેટમાં નોકરી કરવી હોવાની વાત જણાવતા ઘરના સભ્યોએ પ્રાઈવેટમાં નોકરી કરવાની ના પાડી હતી અને સરકારી નોકરી મળે તો કરજે તેમ જણાવ્યું હતું. આ બાબતનું મનમાં લાગી આવતા બે સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે મંજુલાબેને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું બુધવારે રાત્રિના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.