પીજીવીસીએલની ટીમો દ્વારા હાલાર પંથકમાં વીજચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પીજીવીસીએલની બાવન ટીમો દ્વારા જામનગર અને કાલાવડ તાલુકા તથા કલ્યાણપુર તાલુકામાંથી 117 વીજજોડાણોમાંથી ગેરરીતિ ઝડપી રૂા.42.80 લાખના બિલો ફટકાર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર પીજીવીસીએલના અધિક્ષકના નેજા હેઠળ વીજચોરી ડામવા માટે વીજચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગર તથા કાલાવડ તાલુકામાં જગામેડી, ખંઢેરા, હરીપર, નવાગામ, મોટી વાવડી, ઉમરાળા સહિતના ગ્રામ્ય પંથકોમાં તેમજ કલ્યાણપુર તાલુકાના વીરપર, મેવાસા, ભોગાત, દેવળિયા, ગાંગડી સહિતના વિસ્તારોમાં બાવન ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વીજચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પીજીવીસીએલની ટીમો દ્વારા કુલ 732 વીજ જોડાણો તપાસતા તે પૈકીના 117 વીજ જોડાણોમાં ગેરરીતિ મળી આવતા રૂા.42.80 લાખના વીજબીલ ફટકાર્યા હતાં.