અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર લાંબા સંઘર્ષ બાદ ભવ્ય મંદિર નિર્માણ થતા સમગ્ર વિશ્વમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં આગામી 22, જાન્યુઆરી, 2024ના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજી ની પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર વિશ્વમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી મોકલવામાં આવેલ ખાસ આમંત્રણ દરેક ઘરે પહોંચે તે માટે કાર્યકરોની મોટી ટીમ સ્વયંભૂ કામે લાગી છે.
જામનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક, સામાજિક સંગઠનો અને અગ્રણી સંસ્થાઓના 2500 થી 3000 મુખ્ય કાર્યકરો દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સમિતિ જામનગરના નેજા હેઠળ જુદી-જુદી ટીમો બનાવી અયોધ્યાથી આવેલ ખાસ અક્ષત કળશ, ભગવાન શ્રી રામનો ફોટો અને આમંત્રણ પત્રિકા દ્વારા દરેક ઘરોમાં વસતા રામ ભક્તોને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ પાઠવવા માટેનું આયોજન થયું છે.
જામનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતે સોમવારે જામનગર મહાનગરના 11 પ્રખંડોના મુખ્ય કાર્યકરોની અગત્યની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન જામનગર મહાનગરના દરેક શેરી, મહોલ્લાઓમાં અયોધ્યામાં ભગવાન રામ લલ્લાની જન્મભૂમિ પર પુન: પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ખાસ આ બેઠકમાં જામનગરમાંથી વિવિધ વિસ્તારોમાં વસતા હયાત કાર સેવકો કે, જેને શ્રી રામ જન્મભૂમિ આંદોલનમાં અલગ-અલગ સમયે કાર સેવાઓ કરી છે. તેવા કાર સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ બાદ ભગવાન શ્રીરામની પુન: પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આનંદોત્સવ અનુસંધાને કાર સેવકોએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને આ તકે અયોધ્યાથી આવેલા અક્ષત કળશને અયોધ્યાના ભગવાન રામ ના ફોટા તેમજ આમંત્રણ પત્રિકા મુખ્ય કાર્યકરોને અર્પણ કરી હતી. આ પ્રસંગે જય શ્રી રામના નારાઓથી સમગ્ર વાતાવરણ પણ રામ મયી બની ગયું હતું.