જામનગર શહેર અને જિલ્લામાં તસ્કરો દિવસેને દિવસે વધુ બેખોફ થઈ ચોરીને અંજામ આપી રહ્યા છે. ચોરીના બનાવોની ઘટનાઓ જોતા પોલીસ પેટ્રોલિંગની અસર નહીંવત થઈ ગઇ હોવાનું જણાઈ રહ્યું છે. જામનગરના ઈવાપાર્ક વિસ્તારમાં રહેતાં પરિવારના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. માતા-પિતા અને પુત્રી નિંદ્રાધિન હતાં ત્યારે બહારથી સ્ટોપર મારી તસ્કરો ચોરી કરી પલાયન થઈ ગયા હતાં.
મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી તસ્કરોનો રંજાડ ગંભીર રીતે વધી રહ્યો છે. એક તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબુત કરવા પેટ્રોલિંગ અને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવે છે પરંતુ જિલ્લામાં પોલીસની ધાક ઓસરતી જતી હોય તેમ ચોરીના બનાવો સતત વધતા જાય છે. તસ્કરો એક પછી એક ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. દરમિયાન જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્ક 2 માં રહેતાં પરિવાર બે માળના મકાનમાં નીચેના રૂમમાં નિંદ્રાધિન હતાં ત્યારે અજાણ્યા તસ્કરો તેમના મકાનમાં ત્રાટકયા હતાં. અને તસ્કરોએ પરિવાર જે રૂમમાં નિંદ્રાધિન હતો તે રૂમમાં બહારથી સ્ટોપર મારી ઉપરના માળે રૂમમાં ચોરી કરવા ગયા હતાં પરંતુ, ઉપરના રૂમમાંથી દાગીના કે રોકડ હાથ ન લાગતા સામાન્ય માલ-સામાન જ ચોરી કરી ગયા હતાં. ઉપરાંત નીચેના રૂમમાં લાઇટ ચાલુ હોવાથી તસ્કરો તે રૂમમાં ગયા જ ન હતાં અને તસ્કરોને કોઇ મોંઘી ચીજવસ્તુઓ કે દાગીના ન મળતા જૂના બુટચપ્પલ મૂકી અને નવા બુટ ચપ્પલ ચોરી કરી ગયા હતાં.