જોડિયા તાલુકાના ખીરી ગામમાં આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરી પરત તેના ગામ ફરી રહેલા યુવાનના બાઈકને બાલાચડી પાસે પૂરપાટ આવી રહેલી કારે ઠોકર મારતા યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની માતાને ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના ખીરી ગામ પાસે આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરી જગદીશભાઈ તથા તેમના માતા ભાવનાબેન બુધવારે સાંજના સમયે તેના જીજે-10-ડીએફ-7871 નંબરના બાઈક પર પરત ફરતા હતાં ત્યારે બાલાચડી ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે પૂરપાટ આવી રહેલી જીજે-10-એપી-0974 નંબરની ઈન્ડીગો કારના ચાલકે ટ્રકને ઓવરટેક કરવા માટે રોંગસાઈડમાં ચલાવી બાઈકને ટકકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાલક જગદીશભાઈનું શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા મૃતકના માતા ભાવનાબેનને પગમાં અને કમરના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતા પીએસઆઈ બી.એલ. ઝાલા તથા સ્ટાફે કરણભાઈ મકવાણા નામના યુવાનના નિવેદનના આધારે ઈન્ડીગો કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.