જામનગર શહેરના ગુલાબનગર પાસે આવેલા મોહનનગર આવાસ બિલ્ડિંગમાં રહેતાં તરૂણનું ગુરૂવારે વહેલીસવારના સમયે અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ થયા બાદ લાપતા તરૂણની હત્યા નિપજાવેલી લાશ બેભાઈના ડુંગર પાસેથી મળી આવી હતી.
24 કલાકમાં થયેલી બીજી હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર પાસે આવેલા મોહનનગર આવાસ બિલ્ડિંગ નં.15 બ્લોક નં.302 માં રહેતાં ઉષાબેન ગોપાલભાઈ પીઠડિયા નામના પ્રૌઢાનો તરૂણ પુત્ર ગઈકાલે ગુરૂવારે સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીમાં તેના ઘર પાસેથી લાપતા થયો હતો. ત્યારબાદ પરિવારજનો દ્વારા પુત્રની શોધખોળ કરવા છતાં પત્તો ન મળતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયા હોવાની આશંકાના આધારે પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફે તપાસ આરંભી હતી. દરમિયાન આજે સવારે જામનગર નજીક આવેલા બે ભાઈના ડુંગર પાસેથી એક તરૂણની હત્યા નિપજાવેલી લાશ મળી આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.