લાલપુર તાલુકાના ભણગોર ગામમાં પાંચ વર્ષ અગાઉ પાણીના ટેન્કરમાંથી પાણી ભરવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી ત્રણ શખ્સો દ્વારા યુવાન ઉપર શુક્રવારે રાત્રિના સમયે ગામમાં આવેલી પાનની દુકાન નજીક ઢીકાપાટુનો માર મારી છરીના જીવલેણ ઘા ઝીંકયા હતાં. ઘવાયેલા યુવાનને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
હત્યાના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા વિરેન્દ્રસિંહ છોટુભા જાડેજા (ઉ.વ.27) નામના યુવાનને આજથી પાંચ વર્ષ પહેલાં તેના જ ગામના રાજદિપસિંહ જાડેજા સાથે પાણીના ટેન્કરમાંથી પાણી ભરવા બાબતની બોલાચાલી થઈ હતી. પાંચ વર્ષ પૂર્વેની બોલાચાલીનો ખાર રાખી શુક્રવારે રાત્રિના સમયે ગામમાં આવેલી ગ્રીન પાન નામની દુકાન નજીક વિરેન્દ્રસિંહ નામના યુવાન સાથે રાજદિપસિંહ ઉર્ફે પિન્ટુ જગદીશસિંહ જાડેજા, જગદીશસિંહ બહાદુરસિંહ જાડેજા એન કુંદનસિંહ રામભા જાડેજા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી વિરેન્દ્રસિંહ સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ રાજદિપસિંહે છરી વડે જીવલેણ હુમલો કરી ગળાના ભાગે ઘા ઝીંકયા હતાં જેમાં વિરેન્દ્રસિંહ ઢળી પડયો હતો. ત્યારબાદ હુમલાખોરો નાશી ગયા હતાં. બાદમાં યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
હુમલામાં ઘવાયેલા વિરેન્દ્રસિંહનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો અને ત્યારબાદ મૃતકના પિતરાઈ પ્રદ્યુમનસિંહ લાલુભા જાડેજા દ્વારા જાણ કરાતા ઈન્ચાર્જ પીએેસઆઈ બી. બી. કોડીયાતર તથા સ્ટાફે જી. જી. હોસ્પિટલ અને બનાવ સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ત્રણ શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ આરંભી હતી.