Saturday, December 13, 2025
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં ચાલતાં શાળાઓના કામ રામભરોસે : હેમત ખવા

દ્વારકા જિલ્લામાં ચાલતાં શાળાઓના કામ રામભરોસે : હેમત ખવા

સ્ટાફના અભાવે સાઇડ સુપરવિઝન થઇ શકતુ ન હોવાથી કામમાં લોટપાણીના લાકડા : તાત્કાલિક કાયમી કર્મચારીઓની નિમણૂંક કરવા માગણી

દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે નિર્માણાધીન શાળાના ઓરડાના કામમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવ્યો હતો. ભવનના કામનું નિરિક્ષણ કરવા પહોંચેલા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરીયાએ આ ગેરરીતિ ઉઘાડી પાડી હતી. જે બેશક આવકારદાયક છે. પરંતુ આખા ગુજરાતમાં આ રીતે સ્થિતિ છે તો એક મંત્રી ક્યાં ક્યાં સ્થળોએ પહોંચશે? વધુમાં કામ નિરિક્ષણ માટે થર્ડ પાર્ટી એજન્સી પણ રાખી છે. તો આ ગામમાં ગેરરીતિ આ એજન્સીના સત્તાવાળાઓને કેમ ન દેખાઇ? એજન્સીનો સ્ટાફ અત્યાર સુધી ક્યાં હતો? એવા અણિયારા સવાલો જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવાએ ઉઠાવ્યો છે.

- Advertisement -

આ કિસ્સાને ધ્યાને લઇ જામજોધપુર-લાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હેમત ખવાએ તંત્રની ત્રૂટીઓ પર ચાબખા માર્યા હતાં અને સરકારી કામમાં સોઇભાર પણ ગેરરીતિ ન થાય તે દિશામાં સમગ્ર વ્યવસ્થા ઉભી કરવાની માગ કરી હતી. બેરોજગાર યુવાઓ સરકારી નોકરી માટે મથામણ કરી રહ્યા છે. ત્યારે બીજીતરફ સરકારની મોટાભાગની કચેરીઓમાં કરાર આધારીત કર્મચારીઓ દ્વારા ગાડુ ગબડાવવામાં આવતું હોવાથી કામમાં ક્વોલિટી ન જળવાતી હોય કાયમી કર્મચારીઓની ભરતી કરવાની પ્રબળ માગ ઉઠી છે. વધુમાં એસએસઆઇ એટલે કે સર્વશિક્ષા અભિયાન નામે સરકારે એક કચેરી ઉભી કરી અને સરકારના શિક્ષણ વિભાગના કામોની જવાબદારી આ વિભાગને સોંપી દેવામાં આવી છે. તે જ રીતે આરોગ્યના કામોના નિરિક્ષણ અર્થે પીઆઇયુ કચેરી શરુ કરી છે. જે આરોગ્ય તંત્રના તમામ કામોની દેખરેખ રાખે છે. અગાઉ આ બંને વિભાગ આર એન્ડ બી હેઠળ ચાલતા હતાં. જો કે, 15 થી 20 વર્ષ અગાઉ આ બદલાવ કરાયો છે. આ બંને વિભાગમાં 5 લાખથી માંડી 50 લાખ કરોડના કામોની કહેવાતી દેખરેખ રાખે છે. બંને કચેરીની કરુણતા એ છે કે, એપણ કાયમી કર્મચારી નથી. વધુમાં કર્મચાીરઓની ઘટ હોવાથી કામનું ભારણ પણ ભયંકર રહે છે.

કામની ગેરરીતિના ઉદાહરણ જોઇએ તો અગાઉ રાજાશાહી વખતની શાળાઓ આજે પણ અડીખમ ઉભી છે અને હજૂ શિક્ષણકાર્ય પણ થાય છે. જ્યારે 20 વર્ષ દરમિયાન કરોડોના ખર્ચે તૈયાર થયેલ શાળાઓ પણ હાલ ખખડધજ બની છે. પુરતા સ્ટાફનો પણ અભાવ છે. કામો રામભરોસે ચાલે છે. કોન્ટ્રાકટર આડેધડ કામગીરી કરી રૂપિયા પાસ કરાવી લે છે. પ્રજાની કેડ પર વધારાનો બોજ પડે છે.

- Advertisement -

તંત્રની અગવડતાનું પોસ્ટમોર્ટમ કરતા ખવાએ કહ્યું કે, જામનગર જિલ્લામાં એસએસઆઇમાં ટોટલ નવ પૈકી સાત જગ્યા ભરેલી છે. આ તમામ જગ્યાઓ કરાર આધારીત છે. હાલ કુલ 19 રુમ ચાલે છે. 52 શાળાઓમાં કામ ચાલુ છે. કરુણતા એ છે કે, આ કચેરીમાં એકપણ કાયમી કર્મચારી નથી. દ્વારકા જિલ્લામાં ટોટલ ફિલ્ડ સ્ટાફ ચાર જ હોવા જોઇએ જે પૈકી ત્રણ લોકો જ છે અને તે પણ કરાર આધારીત નોકરી કરે છે. 2012થી 11 માસનો કરાર રિન્યુ કરીને થુંકના સાંધાની માફક કામગીરી ચાલે છે.

વધુમાં દ્વારકા અને જામનગરની એક જ પીઆઇયુ કચેરી છે અને તેનો ટોટલ સ્ટાફ ત્રણ વ્યક્તિ જ ચલાવે છે. જે તમામ કર્મચારી કરાર આધારીત છે. જે કચેરી હેઠળ દ્વારકા 9 અને જામનગરમાં 3 ચાલુ છે. હવે સ્ટાફ વગર આ કામમાં કઇ રીતે ગુણવત્તા જળવાતી હોય? આ મામલે સરકાર ગંભીરતા દાખવે તે જરુરી છે. તાત્કાલિક કાયમી કર્મચારીઓની નિમણૂં કરે તેવી માગણી ઉઠવા પામી છે. જેથી યુવાઓને રોજગારી મળી શકે અને કામમાં પણ વ્યવસ્થા જળવાઇ રહે તેમ અંતમાં ધારાસભ્ય હેમતભાઇ ખવાએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular