જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી હોટલમાં રસોયા તરીકે કામ કરતા યુવાનની સાથે રહેતાં રાજસ્થાની શખ્સે બોલાચાલી કરી ગળુ દબાવી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે હત્યારાની શોધખોળ આરંભી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા રાધે કાઠીયાવાડી હોટલમાં રસોયા તરીકે રાજસ્થાનનો વતની તારુરામ ભીલારામ નાગર નોકરી કરતો હતો. દરમિયાન હોટલના સંચાલક દિલીપભાઈ ડુવા દ્વારા નેપાળી યુવક વીનીત જગદીશ પટેલને તેની હોટલમાં રસોયા તરીકે કામ કરવા માટે બોલાવ્યો હતો. જે બાબત અગાઉથી હોટલમાં રસોયા તરીકે રહેલા તારુરામની ગમતી ન હતી. જેથી તારુરામે મધ્યરાત્રિના સમયે વીનીત પટેલ સાથે રસોઇ કામ બાબતે બોલાચાલી કરી ઝપાઝપી કરી ગળુ દબાવી હત્યા નિપજાવ્યા હતી. હત્યા નિપજાવ્યા બાદ તારુરામ ભીલારામ નાગર નામનો નાશી ગયો હતો. બનાવ અંગેની હોટલ સંચાલક દ્વારા જાણ કરાતા પીઆઈ એ.આર. ચૌધરી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલ્યો હતો.
ત્યારબાદ પોલીસે હોટલમાં રહેલાં સીસીટીવી ફુટેજના આધારે તપાસ આરંભી તારુરામ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ આરંભી હતી. પોલીસે નાશી ગયેલા હત્યારા તારુરામને ગણતરીના કલાકોમાં જ દબોચી લઈ પૂછપરછ આરંભી હતી.