જામનગર શહેરના એસ.ટી. ડેપો રોડ પર જાહેરમાં ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાતા વન-ડે ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડી ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને એલસીબીની ટીમે રૂા.3,750 ની રોકડ રકમ રૂા. પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન અને એકટીવા સહિત રૂા.38,750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ તપાસ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગરના એસ.ટી. ડેપો રોડ પર જાહેરમાં મોબાઇલ ફોન પર ભારતમાં રમાતા વર્લ્ડકપ 2023 માં ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચેની ક્રિકેટમેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન રાજેશ છગન સવજાણી નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.3750 નીરોકડ રકમ અને રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ તથા રૂા.30,000 ની કિંમતનું એકટીવા બાઈક મળી કુલ રૂા.38750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ સોદાની કપાત મુંબઇના વિકાસ પાસે કરાવતો હોવાની કેફિયતના આધારે એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.