ખંભાળિયા શહેરમાં વિવિધ પ્રકારે ભય ફેલાવતા બે શખ્સો સામે એલસીબી પોલીસે કડક હાથે કાર્યવાહી કરી, આ બંને શખ્સોને પાસા એક્ટ હેઠળ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.
ખંભાળિયામાં નગર ગેઈટ વિસ્તારમાં આવેલા બરછા પાડા ખાતે રહેતા પારસગીરી ઉર્ફે પાલિયો રમેશગીરી ગોસ્વામી (ઉ.વ. 23) અને સચિનગીરી અજયગીરી ગોસ્વામી (ઉ.વ. 19) નામના બે બાવાજી શકશો દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરી અને લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું. સમયાંતરે આ બંને શખ્સો સામે ધોરણસર પોલીસ ફરિયાદો પણ નોંધાઈ હતી.
હાલ દિપોત્સવીના ધાર્મિક તહેવારો ચાલતા હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બની રહે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા સ્થાનિક ગુના શોધક શાખાને કડક હાથે કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી દ્વારા ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરી, ઉપરોક્ત બંને શખ્સો સામે પાસા અંગેની કાર્યવાહી કરી અને બંને રીઢા ગુનેગારોની અટકાયત કરીને તેઓને અનુક્રમે વડોદરા તેમજ સુરતની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ એલસીબીના પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.વી ગળચર, એસ.એસ. ચૌહાણ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.