જામજોધપુરથી ગીંગણી જવાના માર્ગ પર આવેલી કોલેજ સામેના ડીવાઈડર પર ગત રાત્રિના સમયે ત્રણ મિત્રો બેઠા હતાં તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા ટ્રકચાલક ટ્રક ડીવાઈડર ઉપર બેસેલા ત્રણેય મિત્રોને ઠોકરે ચડાવી હડફેટે લેતા એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોને ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર થી ગીંગણી ગામ તરફ જવાના માર્ગ પર આવેલી એવીડીએસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સામેના ડીવાઈડર પર બુધવારની રાત્રિના સમયે વિમલ કાંતિભાઇ ભાડોલિયા નામનો યુવક તેના મિત્ર મિત હરેશભાઈ રામોલિયા અને હર્ષિદ રોહિતભાઈ ખાંટ સાથે બેઠા હતાં. તે દરમિયાન ગીંગણી તરફથી પૂરઝડપે આવી રહેલા લાલ કલરના જીજે-27-એકસ-6593 નંબરના આઈસર ચાલકે પોતાનું વાહન બેફીકરાઇથી ચલાવી કાબુ ગુમાવતા ડીવાઈડર પર બેસેલા ત્રણ મિત્રા ઉપર ચડાવી દેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વિમલ કાંતિભાઈ ભાલોડિયા નામના યુવકને પેટમાં તથા માથાના ભાગે તેમજ હાથ-પગમાં ગંભીર ઈજા પહોંચી હતી તેમજ મિતને પગમાં અને હર્ષિદને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી.
ડીવાઈડર પર બેસેલા ત્રણ મિત્રોને આઈસર ચાલકે હડફેટે લેતા નાશભાગ મચી ગઈ હતી અને અકસ્માતમાં ઘવાયેલા ત્રણેય મિત્રોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન વિમલ ભાલોડિયાનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ નંદલાલભાઈ માવજીભાઈ ભાલોડિયા દ્વારા કરાતા પીઆઈ વાય.જે. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલે અને ઘટનાસ્થળે પહોંચી જઈ આઈસર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા શોધખોળ આરંભી હતી.