જામજોધપુર તાલુકાના ઈશ્ર્વરીયા ગામમાં રહેતો યુવક તેના બુલેટ પર ધ્રાફાથી નંદાણા ગામ તરફ જતો હતો ત્યારે ડેરી આંબરડી ગામના પાટીયા પાસે પહોંચ્યો ત્યારે ધ્રાફાના ચાર શખ્સોએ આંતરીને ગાડી ધીમે ચલાવવી અને લાઈટ પણ ડીમ રાખવા ધમકાવી લોખંડના પાઈપ વડે હુમલો કરી આઈફોન ઝુંટવી લઇ તોડી નાખી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ઈશ્ર્વરીયા ગામમાં રહેતો અને ખેતી કરતો સુનિલ ખીમાભાઇ ગાગલિયા (ઉ.વ.19) નામનો યુવક ગત તા.29 ના રોજ રાત્રિના સમયે તેના જીજે-25-એસી-9559 નંબરના બુલેટ પર ધ્રાફાથી નંદાણા તરફ જતો હતો તે દરમિયાન ડેરી આંબરડી ગામના પાટીયા પાસે પહોંચ્યો ત્યારે ગામના હરવિજયસિંહ કૃષ્ણસિંહ જાડેજા, હર્ષદિપસિંહ ઉર્ફે કાનો પંચાયતી જયેન્દ્રસિંહ જાડેજા નામના બે શખ્સોએ સુનિલના બુલેટને આંતરીને ‘આ ધ્રાફા ગામ છે અહીંથી નિકળવું હોય તો ગાડી ધીમે ચલાવવી અને ગાડીની લાઈટ પણ ડીમ રાખવાની’ તેમ કહી માથાકૂટ કરી અપશબ્દો બોલી બંન્ને શખ્સોએ અર્જુનસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા સર્વદિપસિંહ મુળરાજસિંહ જાડેજા નામના બે શખ્સોને ઈકો કાર સાથે બોલાવ્યા હતાં અને ત્યારબાદ ચારેય શખ્સોએ એકસંપ કરી હોકી તથા લોખંડના પાઈપ વડે સુનિલ ઉપર હુમલો કર્યો હતો. તેના કારણે પગના તથા વાંસાના ભાગે તથા શરીરે ઈજા પહોંચાડી હતી.
ઉપરાંત સર્વદિપસિંહએ ફડાકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. તથા અર્જુનસિંહે સુનિલ પાસે રહેલો એપલનો આઈફોન 11 ઝુટવી લઇ નીચે પછાડી તોડી નાખી રૂા.20,000 ની નુકસાની કરી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં ઈજાગ્રસ્ત સુનિલને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હેકો એસ.એચ. જાડેજા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.