જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આજથી સસ્તા અનાજના દુકાનદારો દ્વારા તેઓના કમિશન વધારાની માંગણીનો સ્વીકાર ન કરાતા અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતર્યા છે. રાજ્યના 17000 થી વધુ વેપારીઓ દ્વારા આજથી હડતાલ ઉપર ઉતરતા ગરીબોને રેશનીંગનું અનાજ દિવળીના સપરમા તહેવારમાં નહીં મળે તેવી સ્થિતિ સર્જાવાના એંધાણ જણાઈ રહ્યા છે.
જામનગર શહેર અને જિલ્લામાં સરકાર માન્ય વ્યાજબીભાવના સસ્તા અનાજના 90 જેટલા દુકાનદારોમાં તેઓના કમિશન વધારાની પડતર માંગણીનો સ્વીકાર કરવામાં ન આવતા આજથી આ દુકાનદારો અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતર્યા છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં 17000 થી વધુ દુકાનદારો હડતાલ ઉપર ઉતરતા રેશનીંગનું અનાજ મેળવતા ગરીબોની દિવાળી અંધકારમય પસાર થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. દુકાનદારોમાં બોરીમાં ઘટ, 20 હજાર કમિશનની ભરપાઈ સહિતની અનેક માગણીઓ સરકારમાં અવાર-નવાર રજૂઆતો કરવા છતાં સ્વીકારવામાં આવી નથી. જેના કારણે રોશે ભરાયેલા સસ્તા અનાજના 17 હજાર જેટલા દુકાનદારો આજથી અચોકકસ મુદ્તની હડતાલ ઉપર ઉતર્યા છે. તેમજ સરકારને અવાર-નવાર પોતાની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરી હોવા છતાં સરકાર દર વખતે તમારી માંગણી સંતોષાઈ જશે તેવું આશ્ર્વાસન આપી હડતાલ સમેટી લેવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા દશેરા સુધીમાં દુકાનદારોની માંગણી સંતોષવાની ખાતરી આપવામાં આવી હતી તેમ છતાં હજુ સુધી દુકાનદારોની માંગણી સંતોષવામાં ન આવતા જામનગર સહિત રાજ્યમાં આજથી 17 હજાર જેટલા સસ્તા અનાજના દુકાનદારો હડતાલ ઉપર ઉતરતા રેશનીંગનું અનાજ મેળવતા ગરીબોની દિવાળી અંધકારમય પસાર થવાની શકયતા છે.