જામનગર શહેરના માધવબાગ વિસ્તારમાં રહેતી મહિલાને તેણીના સાસરિયાઓ દ્વારા કરિયાવર સંદર્ભે અપાતા ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં મૃતકના ભાઈ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સાંઢીયા પુલ પાસે આવેલા માધવબાગ 2/3 માં બ્લોક નં.77 / એચ માં રહેતાં ધર્મિષ્ઠાબા પરમાર (ઉ.વ.26) નામના મહિલાએ તેણીના ઘરે પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ બાદ પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી. દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનારધારમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા અર્જુનસિંહ સાહેબજી વાઢેર નામના યુવાન દ્વારા તેમના બહેન ધર્મિષ્ઠાબાને તેણીના લગ્નજીવન દરમિયાન છેલ્લાં દોઢ વર્ષથી પતિ શકિતસિંહ ગંભીરસિંહ પરમાર અને સાસુ પ્રકાશબા ગંભીરસિંહ પરમાર દ્વારા અવાર-નવાર કરિયાવર ઓછો લાવી છો તેમ કહી તેમના સાસુ ચડામણી કરતા હતાં અને તેના પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી મેણાટોણા મારી મારકૂટ કરતા હોવાથી ત્રાસથી કંટાળીને મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પીએસઆઇ આર.એ.ચનિયારા તથા સ્ટાફે મૃતકના પતિ અને સાસુ વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.