Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકેન્સર સામેના જંગમાં પાટીદાર તથા જૈન સમાજની અનુકરણીય પહેલ

કેન્સર સામેના જંગમાં પાટીદાર તથા જૈન સમાજની અનુકરણીય પહેલ

જામનગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની 1500થી વધુ મહિલાઓની મેમોગ્રાફી તપાસ ખોડલધામ મહિલા સમિતીના માધ્યમથી શક્ય બની : મહિલાઓને જી.જી. હોસ્પિટલ સુધી લાવવાથી લઈ મેમોગ્રાફી સહિતનો તમામ ખર્ચ ઉપાડે છે જૈન યુવક સેવા સંસ્થા

- Advertisement -

મહિલાઓ સ્તન કેન્સર વિશે જાગૃત બને તેમજ સ્ક્રીનીંગ મેમોગ્રાફી કરાવી કેન્સર સામે રક્ષણ મેળવે તે હેતુથી વૈશ્વિક સ્તરે ઓક્ટોબર માસને સ્તન કેન્સર જાગૃતિ માસ તરીકે ઉજવવામાં આવે છે. સ્ત્રીઓમાં ચિંતાજનક રીતે સ્તન કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જરૂરી બન્યું છે કે મહિલાઓ શરમ અને સંકોચ છોડી સ્ક્રીનીંગ મેમોગ્રાફી કરાવે અને કેન્સરની હાડમારીથી રક્ષણ મેળવે.કેન્સર જાગૃતિ માસની ઉજવણીમાં જામનગરની જૈન તથા પાટીદાર સમાજની સામાજિક સંસ્થાઓએ પ્રેરણાદાય પહેલ આરંભી છે.આ સંસ્થાઓ પોતાના સમાજની બહેનોનું ગૃપ બનાવી તેઓને જામનગરની જી.જી. હોસ્પિટલ સુધી લઈ આવે છે. જ્યાં આ મહિલાઓની સ્ક્રીનીંગ મેમોગ્રાફી કરવામાં આવે છે અને ત્યારબાદ જો કોઈ મહિલામાં કેન્સરના લક્ષણો જણાય તો તેને આગળની સારવારમાં પણ સંસ્થા સંપૂર્ણપણે મદદરૂપ બને છે. આમાંની જૈન સેવા સંસ્થા મહિલાઓને ઘરેથી હોસ્પિટલ સુધી લાવવા લઈ જવા તેમજ મેમોગ્રાફી સહિતનો તમામ ખર્ચ પૂરો પાડે છે. જ્યારે શ્રી ખોડલધામ મહિલા સમિતિ મહિલાઓને હોસ્પિટલ સુધી લાવવા-લઈ જવાનો ખર્ચ ઉપાડી બખૂબી સામાજિક જવાબદારીનું વહન કરે છે.

- Advertisement -

આ અંગે જૈન યુવક સેવા સંસ્થાના રીટા મહેતા જણાવે છે કે, જી.જી. હોસ્પિટલમાં તદ્દન નજીવા દરે મેમોગ્રાફી તપાસ કરવામાં આવે છે. તે અંગેની અમારી સંસ્થાને જાણ થઈ જેથી સમાજની મહિલાઓ કેન્સરથી બચી શકે તે માટે તેઓને જી.જી. હોસ્પિટલ સુધી લઈ જવાની તેમજ તે અંગેનો તમામ ખર્ચ ઉપાડવાની અમારી સંસ્થાએ તૈયારી બતાવી. આથી સમાજની મહિલાઓ પણ ઉત્સાહભેર મેમોગ્રાફી કરાવવા આગળ આવી અને નિરંતર સંસ્થા દ્વારા 15-20 બહેનોનું ગ્રુપ બનાવી આ બહેનોની મેમોગ્રાફી કરાવવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા ખાસ ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી હાથ ધરાઈ છે અને અત્યાર સુધીમાં 200 જેટલી મહિલાઓનું મેમોગ્રાફી ચેકઅપ પૂર્ણ થયું છે. રીટાબહેને અન્ય તમામ સમાજોને પણ અપીલ કરતાં જણાવ્યું છે કે, તમામ જ્ઞાતિઓ કેન્સર સામેના જંગમાં સહભાગી બને અને સમાજને કેન્સર મુક્ત બનાવવા યથાશક્તિ પ્રયત્નો કરે.

આવી જ અન્ય એક સંસ્થા છે ખોડલધામ મહિલા સમિતિ. આ સંસ્થાએ પણ રેડિયોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. શિલ્પા ચુડાસમાના પરામર્શમાં રહી પાટીદાર સમાજના બહેનોની મેમોગ્રાફી તપાસ કરાવવાનું અભિયાન હાથ ધર્યું છે. સંસ્થાની મહિલાઓએ એક ટીમ બનાવી છે કે જે સમાજના બહેનોને સ્તન કેન્સરના જોખમ અંગે જાગૃત કરી તેઓને મેમોગ્રાફી તપાસ કરાવવા પ્રેરિત કરી સહાયરૂપ બને છે. આ સંસ્થા બહેનોને જી.જી. હોસ્પિટલ સુધી વિનામૂલ્યે મેમોગ્રાફી તપાસ માટે લઈ આવે છે અને અન્ય તમામ રીતે મદદરૂપ બને છે. હાલ જામનગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના 1500થી વધુ મહિલાઓની મેમોગ્રાફી તપાસ આ સંસ્થાના માધ્યમથી શક્ય બની છે અને જેમાંના બે-ત્રણ બહેનોને કેન્સરનું નિદાન થતાં પ્રાથમિક તબક્કે જ તેઓને સારવાર મળી રહેતા તેઓ હાલ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.

- Advertisement -

જી.જી. હોસ્પિટલનાં ડો. શિલ્પા ચુડાસમા આ અંગે જણાવે છે કે, સમાજમાંથી સ્તન કેન્સર નાબુદી માટે તમામ જ્ઞાતિ તથા સામાજિક સંગઠનોએ જાગૃત થવાની જરૂર છે. જી.જી. હોસ્પિટલ ખાતે નજીવા દરે સરળતાથી મેમોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે જૈન તથા પાટીદાર સમાજની જેમ જ અન્ય સમાજોએ પણ સ્તન કેન્સરથી બચવા મેમોગ્રાફી તપાસને ખાસ અભિયાનના ભાગરૂપે હાથ ધરી પોતાના સમાજના વધુમાં વધુ મહિલાઓ આ તપાસ કરાવે તે માટે આગળ આવવું જોઈએ અને સ્વસ્થ અને મજબૂત સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular