પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આવેલા ‘રાજકોટ’ સ્ટેશન પર 26 અને 27 ઓક્ટોબરના રોજ ‘સ્ટેશન મહોત્સવ’ ઉજવવામાં આવી રહ્યો છે. આ બે દિવસીય ’સ્ટેશન મહોત્સવ’માં રાજકોટ સ્ટેશન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્ટેશન પર રાજકોટમાં આવેલા રેલવે અને પ્રવાસન સ્થળોના ઈતિહાસને લગતા ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
રેલવે સ્ટેશન પર બનાવેલી રંગોળી મુસાફરોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આઈપી મિશન સ્કૂલના વિદ્યાર્થીનીઓ એ સ્ટેશન પર આયોજિત પ્રદર્શન નિહાળ્યું હતું જ્યાં તેઓએ રેલવેના ઈતિહાસ વિશે રસપ્રદ માહિતી મેળવી હતી. આ પ્રસંગે પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય ગરબા, લોકગીતો અને નુક્કડ નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેને રેલવે મુસાફરોએ ખૂબ વખાણ્યું હતું. સ્ટેશન પરિસરમાં રાખવામાં આવેલ હેરિટેજ સ્ટીમ એન્જિન મુસાફરોમાં સેલ્ફી લેવાનું પ્રિય સ્થળ બની ગયું છે. આ પ્રસંગે વેસ્ટર્ન રેલવે દ્વારા ’ગૌરવપૂર્ણ અતીત થી લઈને ગતિશીલ વર્તમાન સુધીનું સફર’ થીમ પર બનેલી શોર્ટ ફિલ્મનું પણ રાજકોટ સ્ટેશન પર પ્રદર્શન કરવામાં આવી રહયું છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમાર, DRUCC સભ્યો રમાબેન માવાણી, હેમભાઈ પરમાર અને હરિકૃષ્ણ જોષી, સૌરાષ્ટ્ર પ્રાંત અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના ક્ધવીનર ભરત કોરાટ, નવ ચેતના ફાઉન્ડેશન (પર્યાવરણ આયામ)ના શૈલેષ ઠાકુર અને રેલવેના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ પ્રદર્શન નિહાળ્યું હતું અને સ્ટેશન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.