સિક્કાની દિગ્વિજ્ય સિમેન્ટ કંપની દ્વારા 113 જેટલા કામદારોને વગર વાકે છુટ્ટા કરી દીધા હોવાના આક્ષેપ સાથે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તા. 29થી કંપની સામે સિક્કા ગામે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
સિક્કાની દિગ્વિજ્ય સિમેન્ટ કંપની દ્વારા 20 વર્ષથી કામ કરતાં 113 જેટલા અસંગઠિત કામદારોને હક્ક-હિસ્સા આપ્યા વગર તેમજ વગર વાકે છુટ્ટા કર્યાના આક્ષેપ સાથે સિક્કા શહેર ભાજપા પ્રમુખ દેવુદાનભાઇ ગઢવીની આગેવાની હેઠળ સિક્કાની દિગ્વિજ્ય સિમેન્ટ કંપનીના છુટ્ટા થયેલા કામદારો દ્વારા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં જણાવ્યું હતું કે, જે તે સમયે મહારાજા દિગ્વિજ્યસિંહે સિક્કા, ગાગવા, ખાવડી, મુંગણી જેવા દરિયા વિસ્તારમાં લોકોને રોજગારીની તક મળે તે માટે જમીન આપી હતી અને ત્યારથી આ વિસ્તારના લોકો અહીં રોજગારી મેળવતાં આવે છે. પરંતુ થોડા સમયથી કામદારો દ્વારા પીએફ, સેફટી સુઝ, યુનિફોર્મ સહિતના પ્રશ્ર્ને અન્યાય થતો હોવાની અગાઉ રજૂઆતો કરી હતી. તેનો ઉકેલનો પ્રશ્ર્ન હતો એવામાં કોઇ નોટીસ આપ્યા વિના વગર વાકે 113 કર્મચારીઓને છુટ્ટા કરી દવેામાં આવતાં કર્મચારીઓમાં રોષની લાગણી છવાઇ છે અને આ અંગે અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. તેમજ તા. 29મીથી કંપની સામે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.