ભાણવડ તાબેના માનપર ગામના યુવાનને નુકસાનીના ખર્ચ બાબતે સમાધાન માટે બોલાવી, કૌટુંબિક કાકા સહિતના બે શખ્સોએ આ યુવાન ઉપર ટ્રેક્ટર ચલાવી, મારી નાખવાનો પ્રયાસ કરવા સબબની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના માનપર ગામના મૂળ રહીશ અને હાલ જામનગરમાં ગોકુલનગર ખાતે રહેતા પોલાભાઈ અરજણભાઈ બેરા નામના 46 વર્ષના યુવાનના કુટુંબીકભાઈ રવિ બેરાએ પ્રેમ લગ્ન કર્યા હોય, જે બાબતનું મનદુ:ખ ચાલ્યું આવતું હોવાથી ફરિયાદી પોલાભાઈના કુટુંબી કાકા મસરીભાઈ કરણાભાઈ બેરાએ સમાધાન કરવા માટે તેમને બોલાવેલા હોવાથી આજથી આશરે ચારેક દિવસ પૂર્વે તેઓ એક અર્ટિગા મોટરકારમાં રવિભાઈને બેસાડી અને મસરીભાઈ કરણાભાઈ બેરાના ઘરે ગયા હતા.
ઉશ્કેરાયેલા આરોપી મસરીભાઈ સાથે બોલાચાલી થયા બાદ તેને અર્ટિગા મોટરકારમાં નુકસાની પહોંચાડી હતી. આ મોટરકારમાં થયેલી નુકસાનીના ખર્ચની રકમ આપવા માટે બંને વચ્ચે રકઝક ચાલતી હતી. જે બાબતનો ખાર રાખી, મશરી બેરા તેમજ તેની સાથે અન્ય એક આરોપી દેવાણંદ અરજણ બેરા નામના બંને શખ્સોએ એકસંપ કરીને પોલાભાઈને મારી નાખવા માટેનું કાવતરું રચ્યું હતું. ગત તા. 23ના રોજ બપોરના આશરે સાડા ચાર વાગ્યાના સમયે માનપર ગામથી બોડકી ગામ તરફ જતા રસ્તે આરોપીઓએ પોલાભાઈને નુકસાનીના ખર્ચના પૈસા આપવા માટે બોલાવ્યા. ત્યારે પોલાભાઈ તથા તેમનો ભાણેજ ધવલ જી.જે. 10 ડી.પી. 4145 નંબરના મોટરસાયકલ પર બેસીને માનપર ગામની સીમ વિસ્તારમાં પહોંચ્યા હતા. માર્ગમાં ટ્રેક્ટર લઈને આવેલા બંને આરોપીઓએ પોલાભાઈ પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. આમ બંને શખ્સોએ પોલાભાઈ બેરાને જાનથી મારી નાખવાના ઇરાદે તેમના મોટર સાયકલ સાથે ટ્રેક્ટર અથડાવી અને જીવલેણ હુમલો કરી, બે વખત ટ્રેક્ટર તેમના પર ચડાવી દીધું હતું.
આ હુમલામાં આરોપી શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી, હુમલો કરતા તેમના મોટરસાયકલમાં નુકસાની સાથે તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે પોલાભાઈ અરજણભાઈ બેરાની ફરિયાદ પરથી તેમના કુટુંબી કાકા મસરીભાઈ કરણાભાઈ બેરા તેમજ દેવાણંદ અરજણભાઈ બેરા સામે આઈ.પી.સી. કલમ 307, 326, 325, 504, 506 (2), 427 તથા 120 (બી) અને 34 મુજબ ગુનો નોંધી આગળની તપાસ અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.