જામનગર શહેર અને જિલ્લામાં હત્યાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધતી જાય છે. ધ્રોલ તાલુકાના વાગુદડ રોડ પરથી આજે સવારે પરપ્રાંતિય શ્રમિક મહિલાની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવેલો મૃતદેહ મળી આવતા પોલીસે મહિલાની હત્યા તેના પતિએ નિપજાવ્યાની આશંકાએ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
હત્યાના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના વાડી વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જ સગા ભાઈ-બહેને તેની જ સગી નાની-બહેનને અંધશ્રધ્ધાની આડમાં કરપીણ હત્યા નિપજાવી હતી. હત્યાના આ કમકમાટીભર્યા બનાવ બાદ આજે ધ્રોલથી 10 કિ.મી. દૂર વાગુદડ રોડ પરના વાડી વિસ્તારમાં એક મહિલાનું તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવેલો મૃતદેહ મળી આવ્યાની વિજયભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી.જી. પનારા સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં પોલીસે સ્થળ પરથી મહિલાના ગળામાં અને માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવેલો મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી. પાોલીસના પ્રાથમિક તારણમાં મહિલા મધ્યપ્રદેશની વતની હુંગરીબેન વાસકેલીયા (ઉ.વ.આશરે 30) નામની શ્રમિક મહિલાનો હોવાની ઓળખ થઈ હતી. જેના આધારે પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી.
પોલીસે ઘટનાસ્થળથી મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા મહિલા તેના પરિવાર સાથે વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતી હતી. જેથી પોલીસે મહિલાના પતિ સરદાર નામના શખ્સની શોધખોળ કરતા તેના પતિનો મોબાઇલ ફોન સ્વીચઓફ આવતો હતો અને નાશી ગયો હોવાનું જણાતા પોલીસને પ્રાથમિક તબકકામાં મહિલાના પતિએ હત્યા નિપજાવ્યાની આશંકાએ તે દિશામાં તપાસ આરંભી હતી અને આ હત્યા પ્રકરણમાં કોઇ પ્રેમપ્રકરણને કારણે હત્યા નિપજાવ્યા હોવાની આશંકાએ તે દિશામાં તપાસ આરંભી હતી.