જામનગર નજીક ધુંવાવના ખેડૂતો સાથે છેતરપિંડી કરી સહારા નામની કંપની દ્વારા ખેડૂતોની જમીન ખરીદી કરી નાણાં ચૂકવ્યા ન હોય અને આ જમીન અન્ય કોઇ પાર્ટી સાથે વેંચાણના કરાર કર્યા હોવાનું જાહેર થતા આ અંગે ખેડૂતો વતી સહારા કંપની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે તેમ ખેડૂતોના વકીલ દ્વારા ગઈકાલે જામનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેર કરાયું હતું.
ગઈકાલે જામનગરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં જામનગરના વકીલ નિલેશ મંગે એ જણાવ્યું હતું કે, ધુંવાવના 21 જેટલા ખેડુતો વતી સહારા ઈન્ડિયા કોમર્શિયલ કોર્પોરેશન લિમિટેડ નામની કંપની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. વર્ષ 2003 માં સહારા ઈન્ડિયા કોમર્શિયલ કોર્પોરેશન લિમિટેડ કંપનીના અધિકારી તરીકે પ્રફુલ્લભાઈ પટેલ તથા જામનગરના બે દલાલો કમલેશ જોશી અને નિલેશ પટેલ ખેડૂતો પાસે આવ્યા હતા અને કંપનીને પોતાના સામાજિક કાર્યો હેઠળ શૈક્ષણિક સ્કૂલ, મંદિર, રમત-ગમતના મેદાન સહિતના હેતુ માટે જમીન જોતી હોય, વેચાણ માટે માંગણી કરી હતી. જેમાં ખેડૂતોને જમીનનું વેંચાણ સોદો નકકી થયા બાદ રૂા.3 કરોડ 59 લાખ જેટલી રકમ ટોકન સ્વરૂપે આપવામાં આવી હતી જ્યારે રૂા.11 કરોડ જેટલી રકમ વર્ષ 2003 થી બાકી રહે છે. જે અપાઈ નથી.
ત્યારબાદ તાજેતરમાં સહારા કંપની દ્વારા આ જમીન અન્ય પાર્ટીને વહેંચવા કરાર કર્યો હોવાનું સામે આવ્યું છે. જેથી ખેડૂતો દ્વારા એડવોકેટ નિલેશ મંગીનો સંપર્ક કર્યો હતો. આ જમીન અંગે રાજ્યની વડી અદાલતમાં પણ કેસ દાખલ છે જેમાં સીબીઆઈ તપાસ પણ ચાલી રહી છે. આ ઉપરાંત આ કેસમાં કલેકટર દ્વારા પણ જમીન શ્રી સરકારના નામે કરી હોવાનું વકીલે જણાવ્યું હતું. તેમજ આ મામલે હાઈકોર્ટમાં સોગંદનામુ કરવાનો અને કંપની વિરૂધ્ધ આઈપીસીની કલમો સાથેની ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ધુંવાવના આ ખેડૂતોની જમીનનો મામલો વર્ષોથી હાઈકોર્ટમાં છે. જેમાં વડી અદાલતે સ્ટેટસ કવો એટલે કે યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો છે. આ આદેશ આજની તારીખે પણ લાગુ હોવા છતાં સહારા નામની કંપનીએ આ વિવાદી જમીનો થર્ડ પાર્ટીને વેંચાણથી આપવા કરાર કર્યો હતો. આ અંગે અદાલતમાં કેસ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. વર્ષો બાદ આ કેસમાં સળવળાટ શરૂ થતા શહેરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.